વિદ્યાર્થી માટે જન્મ આપનાર માતા પછી બીજી કોઈ માતા હોય તો તે છે માતૃભાષા. દાહોદ અનાજ મહાજન એજ્યુકેશન સોસાયટી એ માતૃભાષા ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહે તે હેતુથી ઈ.સ. 2005 માં મર્યાદિત સંખ્યા અને વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન રહે તેવાં હેતુથી સ્વનિર્ભર માધ્યમિક શાળાનો પ્રારંભ કર્યો. માધ્યમિક શાળાની સફળતા બાદ સમાજની માંગ ને ધ્યાનમાં રાખીને વર્ષ 2010 માં સ્વનિર્ભર શાળામાં જ પ્રાથમિક વિભાગની શરૂઆત કરવામાં આવી. આ માટે સર્વ સુવિધા યુક્ત અધ્યતન ભવન નું નિર્માણ કરવામાં આવ્યું. આ ભવનમાં નાના નાના ભૂલકાઓ ને યોગ્ય વાતાવરણ મળી રહે તે બાબતનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સ્વનિર્ભર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ શાળાની શરૂઆતથી જ ધોરણ-10 ની બોર્ડની જાહેર પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી શાળા, સંસ્થા તેમજ તેમના પરિવારનું ગૌરવ વધારી રહ્યા છે અને સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ જેમકે રમતગમત, ચિત્રકામ, સંગીત તથા અનેકવિધ ક્ષેત્રે જિલ્લા તથા રાજ્યમાં અગ્રેસર રહી શિક્ષણ સાથે સહ પ્રવૃત્તિ કેવી રીતે કરી શકાય તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
આ જ ક્રમમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ કંઈ પાછળ પડે તેમ નથી, તેઓ પણ વિવિધ સ્પર્ધાઓમાં જિલ્લા તથા રાજ્ય ક્ષેત્રે અગ્રસ્ત રહી શાળાની ઉપલબ્ધિઓમાં નવા નવા સોપાનો ઉમેરી રહ્યા છે. આ દર્શાવે છે કે, ગુણવત્તામય શિક્ષણ, પ્રવૃત્તિમય શિક્ષણ અને જીવનની કારકિર્દીનું યોગ્ય ઘડતર આ ત્રણેય ગુણોની પરિપ્રેક્ષ્યતાને ઉજાગર કરીને આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓને વિશેષ રીતે તૈયાર કરતી જિલ્લાની એકમાત્ર શાળા સ્વનિર્ભર શાળા છે. આ શાળામાં વિદ્યાર્થીઓ ટ્યુશન પ્રથાના પ્રદૂષણથી દૂર રહીને સ્વઅધ્યયન દ્વારા પોતાની કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે. આજે લગભગ આ સ્વનિર્ભર શાળામાં નર્સરી, બાળમંદિર તથા ધોરણ 1 થી 12 સુધી 1266 વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષણનો લાભ મેળવી રહ્યા છે. સંસ્થાના સૂત્રધાર શ્રી સુરેશભાઈ શેઠ, પ્રમુખશ્રી પંકજભાઈ શેઠ અને માનદ્ મંત્રી શ્રીમતી અંજલિબેન પરીખ જેવા ત્રણ અનુભવી મહાનુભાવોના માર્ગદર્શન હેઠળ શાળા સફળતાના સોપાન પ્રાપ્ત કરી રહી છે.
શાળાના વર્ષ
કુલ વિ.સંખ્યા
હાલ વિ.સંખ્યા



























